ગુજરાતમાં છે એક 1200 વર્ષ જૂનું ગણેશજીનું મંદિર

આપણામાંથી ઘણા લોકોએ ગુજરાતમાં આવેલા ઘણા મંદિરો જોયા હશે અને આ બધા જ મંદિરો ભક્તોમાં ઘણા જ જાણીતા હોય છે. લોકોને વિધ્નહર્તા દેવમાં અપાર આસ્થા હોય છે માટે જ લોકો એમના આશીર્વાદ મળે એના માટે આ મંદિરોમાં મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટી પડે છે. તો એવું જ એક મંદિર મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઐઠોર ગામમાં આવેલું છે. આ ગણપતિ ઐઠોરના ગણપતિ તરીકે જાણીતા છે અને આ મંદિરની સાથે બીજી ઘણી દંતકથાઓ પણ સંકળાયેલી છે. તે દંતકથા પ્રમાણે મંદિરમાં જે પ્રતિમા છે એનો સંબંધ પાંડવ યુગ સાથે છે. એ સિવાય સોલંકીકાળ દરમિયાન પણ રાજાઓ અહીં આવતા અને પૂજન-અર્ચન કરે પછી જ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા હતા.

જાણો મંદિર સાથે જોડાયેલી જૂની માન્યતા વિષે

આ મંદિર વિશે જે માન્યતા જોડાયેલી છે તે પ્રમાણે પ્રાચીન કાળમાં દેવરાજ ઈન્દ્રના લગ્ન હતા ત્યારે દેવીદેવતીઓની જાન જોડાઈ હતી, પણ ગણપતિની વાંકી સૂંઢ હતી એટલે અને ગણપતિનો દેખાવ વિચિત્ર હતો માટે તેમને કોઈએ આમંત્રણ આપ્યું નહોતું. પછી જયારે જાન ઐઠોર અને ઊંઝા વચ્ચે આવેલા સોમનાથ મહાદેવના મંદિરે આવી પહોંચી ત્યારે ગણેશજીના કોપને લીધે બધા જ રથ તૂટી ગયા. આ ઘટના બનવા પાછળનું કારણ જયારે દેવોને સમજાયું તો તેમણે ગણેશજીને મનાવવા માટે પુષ્વાવતી નદીના કિનારે 33 કરોડ દેવી-દેવતાઓની પૂજા કરી હતી. અહીંયા નદીના કિનારે આજની તારીખે પણ 33 કરોડ દેવી-દેવતાઓનું મંદિર ઉપસ્થિત છે.

ગણેશજીએ કર્યો હતો આરામ

જયારે દેવરાજ ઈન્દ્રના લગ્ન હતા એટલે શિવનો સંપૂર્ણ પરિવાર જાનમાં સાથે આવ્યો હતો, અનેજ્યારે ચાલતા ચાલતા ગણેશજી થાકી ગયા એટલે શિવજીએ ગણેશજી ને ‘અહીં ઠેર’ એવું કીધું હતું અને આ શબ્દો પરથી જ આ ગામનું નામ ઐઠોર એવું પડ્યું હતું એવું માનવામાં આવે છે. ત્યારે ગણેશજી ઐઠોરમાં આરામ કરવા માટે રોકાઈ ગયા હતા. પછી શિવ, પાર્વતી અને કાર્તિકેય જાનમાં આગળ જાય છે પણ થોડા જ દૂર ચાલ્યા પછી પાર્વતીએ પોતાના પુત્ર વગર આગળ જશે નહિ એવું કઈ દીધું અને તેઓ ઊંઝામાં જ રોકાઈ ગયા હતા. અને અત્યારે આજે ત્યાં ઉમિયા માતાનું સ્થાનક પણ છે. જાન થોડી આગળ વધી તો ભાઈ અને માતા સાથે ના હતા માટે કાર્તિકેયે પણ આગળ જવાની ના પાડી દીધી અને પછી તેઓ સિદ્ધપુરમાં રોકાઈ ગયા, અને એ જગ્યાએ આજે કાર્તિકેયજીનું મંદિર ઉપસ્થિત છે.

અહીંયા મૂર્તિ છે માટીમાંથી તૈયાર કરેલી

ઐઠોરમાં જે ડાબી સૂંઢવાળા ગણપતિ દાદાનું મંદિર છે એ આખી દુનિયાભરના શ્રદ્ધાળુઓમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ મંદિર 1200 વર્ષ જૂનું છે એવો અંદાજો છે અને આ મંદિરમાં જે ગણપતિ દાદાની મૂર્તિ સ્થાપેલી છે એ મૂર્તિ ધાતુ કે કોઈ પથ્થરમાંથી નથી તૈયાર કરાઈ પણ માટીમાંથી બનાવવામાં આવી છે અને એના પર સિંદુર અને તેલનો લેપ લગાડેલો છે. આ મૂર્તિ ગણપતિની દુર્લભ મૂર્તિ ગણાય છે અને આ મૂર્તિના દર્શન કરવા માટે અને ગણપતિજીના આશીર્વાદ મેળવવા માટે અહીંયા ભક્તોની ભીડ ઘણી મોટી સંખ્યામાં ઉમટે છે.

કઈ રીતે જઈ શકાય ?

જો અમદાવાદથી ઐઠોર ગણપતિ મંદિર જવું હોય તો એના માટે બે રસ્તાઓ છે. જો વાયા કલોલ અને મહેસાણા થઈને જઇયે તો આ મંદિર 99 કિમી દૂર થાય છે અને જો કાર લઈને કોઈ જાય તો તમે 2 કલાકમાં ત્યાં આરામથી પહોંચી શકો છો. જો કોઈ વાયા ગાંધીનગર અને વિસનગર થઈને જાય છે તો 104 કિમી જેટલું અંતર થાય છે. આ રસ્તેથી જો કોઈ જાય તો એને સવા બે કલાક જેટલો સમય લાગતો હોય છે.