Monday, July 22, 2019
ધાર્મિક

આ પ્રસિદ્ધ મંદિર અમદાવાદથી છે બે કલાકના અંતરે આવેલું છે, શું તમે એ મંદિર જોયું છે ?

22Views

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામોમાંથી એક એટલે અરવલ્લી જિલ્લાનું શામળાજી મંદિર. આ પ્રાચીન મંદિર ભિલોડા તાલુકામાં આવેલું છે અને આ પ્રાચીન યાત્રાસ્થળ શામળાજી વૈષ્ણવોનું ધાર્મિક સ્થાન ગણાય છે. આ જગ્યા પુરાણોમાં તો ગદાધાર ક્ષેત્ર તરીકે જાણીતું હતું. આ મંદિરે અરવલ્લી અને એની બાજુમાં જે લોકો રહેતા હોય એ દર્શન કરવા આવતા હોય છે પરંતુ દૂર દૂરથી પણ શ્રદ્ધાળુઓ શામળિયાના દર્શન કરવા આવતા હોય છે. આ મંદિર અમદાવાદથી બેથી સવા બે કલાક જ દૂર આવેલું છે અને આ મંદિર આખા દેશમાં આવેલા વૈષ્ણવોના 154 મુખ્ય મંદિરોમાંથી એક ગણાય છે.

અહીંયા કરો કાળિયા ઠાકોરના કરો દર્શન

શામળાજી મંદિર મેશ્વો નદીના કિનારે આવેલું છે અને આ મંદિર ‘ધોળી ધજાવાળું’ મંદિર તરીકે પણ ઓળખાય છે. આ મંદિરના શિખરે ધોળી ધજા ફરકે છે માટે આ મંદિર નામથી ઓળખાય છે. આ મંદિર અરવલ્લીની પર્વતમાળાની વચ્ચે આવેલું છે અને આ મંદિરની ચારેબાજુ હરિયાળી છવાયેલી હોય છે. આ પવિત્ર યાત્રાધામમાં વિષ્ણુ ભગવાનની મૂર્તિ કાળા કલરની છે માટે લોકો એમ કહે છે કે અમે શામળિયાના દર્શન કરવા જઈએ છીએ. આ મંદિર શ્રીકૃષ્ણના ઘણા જ ઓછા એવા મંદિરોમાંથી એક મંદિર ગણાય છે જ્યાં ગાયની મૂર્તિની સ્થાપના કરેલી હોય. એવું કહેવામાં આવે છે કે જો ગાયના બે શિંગડાની વચ્ચેથી જે વ્યક્તિ કાળિયા ઠાકોરના મુખારવિંદના દર્શન કરે છે તો એની મનોકામના ચોક્કસથી પૂરી થાય છે.

મંદિરની દિવાલો પર જોવા મળશે રામાયણ-મહાભારતના પ્રસંગો

આ મંદિરનું બાંધકામ ક્યારે થયું એના વિષે તો કોઈ ચોક્કસ સમયની જાણકારી મળી નથી પણ આ મંદિર ઓછામાં ઓછા 500 વર્ષથી અસ્તિત્વ ધરાવે જ છે. આ મંદિર સફેદ પથ્થરો અને ઈંટોમાંથી બનાવેલું છે અને આ મંદિર બે માળનું છે. આ મંદિરની ફરતે સુંદર કોતરણી કરેલી છે. મંદિરની દીવાલો પર મહાભારત અને રામાયણના દૃષ્ટાંતોને કોતરવામાં આવેલા છે. આ મંદિરના પ્રવેશદ્વાર બે વિશાળ હાથીની મૂર્તિઓ છે અને તે તમારું સ્વાગત કરે છે. આ મંદિરના બાંધકામમાં તમે પ્રાચીન ચૌલુક્ય શૈલી જોઈ શકો છો.

બ્રહ્માજીએ કર્યું હતું તપ

આ મંદિરના ઈતિહાસ પાછળ ત્રણ વાર્તાઓ ખુબજ જાણીતી છે. પહેલી લોકવાયકા એવી છે કે એક વાર બ્રહ્માજી ધરતી પર સૌથી પવિત્ર સ્થળ હોય એની શોધ કરવા નીકળ્યા. તેઓ ઘણી જગ્યાઓએ ફર્યા અને જયારે તે શામળાજી આવ્યા તો આ જગ્યાની સુંદરતા જોઈ તો એનાથી એ જગ્યાએ એમનું મોહી લીધું. આ જગ્યા પર બ્રહ્માજીએ હજારો વર્ષો સુધી તપ કર્યું હતું. જયારે શિવજી બ્રહ્માજી પર પ્રસન્ન થયા તો એમણે અહીંયા યજ્ઞ કરવાનું જણાવ્યું. યજ્ઞની શરૂઆત થઇ ત્યારે જ વિષ્ણુ ભગવાને શામળાજીનું રૂપ ધારણ કર્યું અને આ સ્થળે બિરાજ્યા.

શું તમને લોકવાયકા ખબર છે ?

બીજી એક વાયકા એવી છે કે દેવોના શિલ્પીથી ઓળખાતા વિશ્વકર્મા ભગવાને ફક્ત એક જ રાતમાં આ મંદિરનું નિર્માણ કર્યું હતું. અને આ મંદિરનું નિર્માણ કરતાં કરતાં સવાર થઇ ગઈ હતી અને પછી એ મંદિરને પોતાની જોડે ના લઈ જઈ શક્યા. ત્રીજી લોકવાયકા એવી છે કે એક આદિવાસીએ જયારે જમીન ખોદી હતી ત્યારે એને શામળિયા ભગવાનની મૂર્તિ એમાંથી મળી હતી. પછી એ આદિવાસી રોજ અહીંયા દીવો પ્રગટાવતો અને શામળિયા ભગવાનની પૂજા કરતો હતો. અને શામળિયાની કૃપા થવાથી તેમના ખેતરમાં પાક પણ ઘણોજ થયો હતો. આ વાતની જાણ થઇ એટલે એક વૈષ્ણવ વેપારીએ અહીંયા મંદિરનું બાંધકામ કરાવ્યું અને એ મંદિરમાં શામળિયાની મૂર્તિની સ્થાપના કરી પછી ઈડરના રાજાએ આ મંદિરને સુશોભના કરવાનું કાર્ય કર્યું. હમણાં જ એક વેપારીના પરિવારે આ મંદિરનું રિનોવેશન પણ કરાવ્યું હતું.

અહીંયા કારતિકી પૂનમનો મેળો છે ખુબજ જાણીતો

આ મંદિરમાં કારતિકી પૂનમ હોય ત્યારે ભવ્ય મેળાનું આયોજન થાય છે. આ મેળાની શરૂઆત દેવઉઠી અગિયારસ હોય એ દિવસથી થાય છે. આ મેળો ત્રણ અઠવાડિયા સુધી ચાલે છે અને આ મેળામાં ઘણી મોટી સંખ્યામાં આદિવાસીઓ ભાગ લે છે. આ મેળામાં મેશ્વો નદીમાં સ્નાનનું ખાસ મહત્વ રહેલું છે. શામળાજીથી બે કિલોમીટર દૂર એક દેવની મોરી તરીકે જાણીતી જગ્યાએથી ક્ષત્રપકાલીન સ્તૂપ અને વિહાર મળી આવ્યા છે અને આ બૌદ્ધયુગની સાક્ષી પણ પૂરે છે. જો તમારે શામળાજી મંદિર પહોંચવું છે તો તમે GSRTCની બસથી પણ જઈ શકો છો અથવા તો કારથી પણ અહીંયા જઈ શકીયે છે. આ મંદિર હિંમતનગરથી 51 કિલોમીટરના અંતરે થાય છે માટે જો આજ સુધી તમે ક્યારેય આ મંદિરની મુલાકાત લીધી નથી તો ચોક્કસથી આ મંદિરે દર્શન કરવા જજો. જો કોઈ પણ મંદિરમાં મળતા પ્રસાદની વાત કરીયે તો એ પ્રસાદ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે પણ અહીંયાના લાડુનો સ્વાદ જ કંઈક અલગ છે.